રવિપાર્ક સોસાયટી ઉપર વીજ જોખમનું મંડરાતું સંકટ હેવી વીજ લાઈનમાં થતી સ્પાર્કિંગથી રહીશોમાં ચિંતા, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

ઈડર તાલુકાની રવિપાર્ક સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશોમાં સોસાયટીમાંથી પસાર થતી ૧૧ કે.વી. હેવી વીજ લાઈનને લઈને ભયનો માહોલ સર્જાયો છે. સોસાયટી વિસ્તારમાંથી પસાર થતી આ હેવી વીજ લાઈન ઉનાળાની ગરમી દરમિયાન અવારનવાર સ્પાર્કિંગ કરતી હોવાનું રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગરમીના દિવસોમાં વીજ લાઈન ઉપર વધુ લોડ આવતાં વીજ વાયર અને થાંભલાઓ ઉપરથી વારંવાર વીજ તણખા નીકળે છે. ખાસ કરીને રાત્રિના સમયે થતી સ્પાર્કિંગને કારણે આસપાસ રહેતા પરિવારોમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. રહીશોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત અથવા જાનહાનિ સર્જાઈ શકે છે.
સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે વીજ કંપની દ્વારા આ હેવી વીજ લાઈનનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. સતત વીજ પ્રવાહ અને ઓવરલોડને કારણે વાયર ગરમ થઈ જતા સ્પાર્કિંગની સમસ્યા વધી રહી છે. જેના કારણે નાના બાળકો, વૃદ્ધો તેમજ આસપાસ રહેતા લોકો માટે જોખમ ઉભું થયું છે.
સ્થાનિક રહીશોની માંગ છે કે સોસાયટીમાંથી પસાર થતી ૧૧ કે.વી. હેવી વીજ લાઈનને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અથવા સુરક્ષા માટે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે. સાથે જ વીજ કંપની દ્વારા સ્થળ પર તકનિકી તપાસ કરીને અકસ્માતની સંભાવના દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.




