વિજયનગરના ચામઠણ ગામે તળાવના ₹1 કરોડના વિકાસ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ભારે વિવાદ: આજુબાજુના 5 ગામો પર સંકટ

વિજયનગર તાલુકાના ચામઠણ ગામે સરકાર દ્વારા મંજૂર કરાયેલા આશરે ₹1 કરોડના તળાવના વિકાસ કામમાં ભારે ગેરરીતિ અને હલકી ગુણવત્તાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને ગામના આગેવાનોએ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી નબળી કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો છે અને તાત્કાલિક તપાસની માંગ કરી છે.
તળાવના જ નબળા પથ્થરો વાપરી ભ્રષ્ટાચારનો ખેલ!
ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, નિયમ મુજબ બહારથી સારી ક્વોલિટીના પથ્થરો લાવીને તળાવનું પેચિંગ અને મજબૂતીકરણ કરવાનું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નાણાંનો દુરુપયોગ કરવાના આશયથી તળાવના પાછળના ભાગમાંથી જ નીકળેલા હલકી ગુણવત્તાના નબળા પથ્થરો લાવીને પેચિંગ કામ પતાવી દેવામાં આવ્યું છે. આ નીચલી કક્ષાની કામગીરીને કારણે સરકારી નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે.
ભારે વરસાદમાં પાળ તૂટશે તો જવાબદારી કોની?
આ નબળા કામને પગલે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન તળાવની પાળ તૂટી જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે, જો પાળ તૂટશે તો તેની જવાબદારી કોની રહેશે? જો તળાવની પાળ તૂટે તો માત્ર ચામઠણ જ નહીં, પરંતુ નીચલા વિસ્તારમાં આવેલા આજુબાજુના 5થી વધુ ગામોને ભારે નુકસાન થઈ શકે છે, જેમાં મુખ્યત્વે:
-
ચામઠણ
-
નળીયાવાડા
-
ઇટાવડી
-
ખેરવા
-
ચિત્રોડી
આ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને મોટી જાનમાલની નુકસાની થવાની દહેશત છે.
તાલુકા પંચાયત પ્રમુખે લીધી મુલાકાત, ઉચ્ચ સ્તરે રજૂઆતની તૈયારી
વિવાદ વધતા તાલુકા પંચાયત પ્રમુખે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને રૂબરૂ હકીકતની તપાસ કરી હતી. ગ્રામજનો અને આગેવાનોના રોષને જોતા આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે. ગામલોકોએ માંગ કરી છે કે આ નબળી કામગીરી અંગે કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ થાય, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તળાવનું કામ ફરીથી યોગ્ય અને મજબૂત ગુણવત્તા સાથે કરવામાં આવે.




