બેફામ બાઈકચાલકનો કહેર: નિર્દોષ મહિલાનો જીવ લીધો — હવે જવાબદારી કોની?

પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દલપુર ગામની સીમમાં રવિવારે એક બાઈકચાલકની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકે પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી.
આ ગંભીર અકસ્માતમાં ગજીબેન બાપુજી વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગે વજાપુર (દલપુર) ગામના વિક્રમસિંહ બાપુસિંહ વાઘેલાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ, બાઈક નં. જીજે.૦૯ઈબી.૨૯૦૭ના ચાલકે બેદરકારીપૂર્વક અને જોખમી રીતે બાઈક ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો.
પોલીસે આરોપી બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે દલપુર-હિંમતનગર જેવા વ્યસ્ત માર્ગ પર વારંવાર બનતા અકસ્માતો છતાં પણ ટ્રાફિક નિયંત્રણ, સ્પીડ ચેકિંગ અને કડક અમલવારીમાં તંત્ર કેમ નિષ્ફળ જાય છે? શું સ્થાનિક પોલીસ અને જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે?
જિલ્લા તંત્ર માટે હવે સમય આવી ગયો છે કે આવા બનાવોમાં માત્ર કેસ નોંધવામાં પૂરતું ન રહે, પરંતુ સંબંધિત અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરીને કડક પગલાં લેવામાં આવે — નહીં તો આવી ઘટનાઓ ફરી ફરીને બનતી રહેશે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા રહેશે.




