સાબરકાંઠા
સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો

સાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઇડર, વડાલી તેમજ હિંમતનગર શહેર સહિત વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.ભારે પવનના કારણે રોડ-રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો પવનના જોરદાર ઝાટકાના કારણે સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા.

આ ઉપરાંત, તેજ પવનના કારણે નાના સામાન, તાત્કાલિક બનાવાયેલા મંડપો અને દુકાનોના શેડ ઉડી જતા વેપારીઓ અને રાહદારીઓને ભારે પરેશાની ભોગવવી પડી હતી.હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ આગાહી કરવામાં આવી હોવા છતાં બપોર બાદ અચાનક પવનનો કહેર જોવા મળતાં લોકો ચોંકી ઉઠ્યા હતા. હાલમાં પણ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ યથાવત રહેતા સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.





