સાબરકાંઠા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાનૂની શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરાયું

જનરલ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત અને કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા અને સાબરકાંઠા પોલીસ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ સર પ્રતાપ જનરલ હોસ્પિટલ સંલગ્ન જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કોર્ટ, હિંમતનગરની શૈક્ષણિક મુલાકાત તેમજ કાનૂની શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમય સચિવ સી. પી. ચારણ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓને જિલ્લા કોર્ટની વિવિધ શાખાઓ, કોર્ટની કાર્યવાહી, ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ તેમજ સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ નિઃશુલ્ક કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક કાનૂની સેવાઓ, મધ્યસ્થી (મેડિએશન), લોક અદાલત, કાનૂની જાગૃતિ કાર્યક્રમો તથા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 15100 વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

સી. પી. ચારણે વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ દ્વારા પ્રાપ્ત અધિકારો અને ફરજો, કાનૂની જાગૃતિનું મહત્વ તથા કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા અંગે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કાનૂની જ્ઞાન દરેક નાગરિકને સશક્ત બનાવે છે અને સમાજમાં ન્યાય તથા સમાનતાની સ્થાપના માટે કાનૂની જાગૃતિ અત્યંત આવશ્યક છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, મહિલાઓની સુરક્ષા, સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ, કાયદાનું પાલન, નાગરિકોની ફરજો તેમજ પોલીસ વિભાગની વિવિધ જનકલ્યાણકારી સેવાઓ અંગે સરળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જાગૃત, જવાબદાર અને કાયદાનું પાલન કરતા નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને કાનૂની તથા પોલીસ સંબંધિત વિવિધ વિષયો અંગે પોતાની જિજ્ઞાસાનું સમાધાન મેળવ્યું હતું. કોર્ટની મુલાકાત અને કાનૂની શિક્ષણ શિબિર વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા ભવિષ્યમાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને વધુમાં વધુ નાગરિકો સુધી કાનૂની માહિતી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે, તેવી માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમય સચિવ સી. પી. ચારણે અખબારી યાદીમાં આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!