લાઇફ સ્ટાઇલ

“મા-બાપની સેવા ફરજ છે; નહીં કરો તો કાયદો તો છે જ”

મોડાસા શહેરમાંથી માનવતા અને સંતાનોની ફરજ પર સવાલ ઊભો કરે તેવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વૃદ્ધ માતાને પોતાના જ પુત્રો દ્વારા અવગણવામાં આવતા અંતે કાયદાનો સહારો લેવો પડ્યો હતો. આ મામલે કોર્ટ દ્વારા સખ્ત અને સ્પષ્ટ વલણ અપનાવી બેદરકાર સંતાનોને કાનૂની રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

માહિતી મુજબ, મોડાસાની રહેવાસી વૃદ્ધ માતા રઝિયાબાનુ ગૂલામહુસેનએ પોતાના ત્રણ પુત્રો – ઉસ્માનગની ગૂલામહુસેન, મોશફીક ગૂલામહુસેન અને નૌશાદ ગૂલામહુસેન – સામે અરજી કરી હતી. અરજીમાં તેમણે સ્પષ્ટ રીતે રજૂઆત કરી હતી કે ત્રણેય પુત્રો સારી આવક ધરાવતા હોવા છતાં માતાની સંભાળ રાખતા નથી, જીવનનિર્વાહ માટે જરૂરી ખર્ચ આપતા નથી અને પોતાની ફરજથી ભાગી રહ્યા છે.

આ મામલે મોડાસાની સબ ડિવિઝનલ કોર્ટમાં નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડૉ. વી.બી. પટેલ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટ દ્વારા કડક નોંધ લેવામાં આવી કે માતા-પિતાની સેવા કરવી એ માત્ર લાગણી નહીં પરંતુ કાનૂની ફરજ છે, અને આ ફરજથી બચવાનો કોઈ વિકલ્પ નથી.

અંતે, નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડૉ. વી.બી. પટેલ દ્વારા ત્રણેય પુત્રોને કડક આદેશ આપવામાં આવ્યો કે તેઓ પોતાની માતા રઝિયાબાનુ ગૂલામહુસેનને દર મહિને ₹૨૫૦૦ પ્રમાણે ચૂકવે. આ રીતે કુલ ₹૭૫૦૦ દર મહિને ભરવાપોષણ રૂપે ચૂકવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ જાય છે કે માતા-પિતાની અવગણના હવે સહન નહીં થાય. જવાબદારીમાંથી ભાગનાર સંતાનો સામે કાયદો હવે સીધી કાર્યવાહી કરશે અને ફરજ નિભાવવી જ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!