ઇડર પોલીસને વધુ એક સફળતા: બે મહિનાથી ફરાર પ્રોહિબિશન ગુનાનો આરોપી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસને નાસતા-ફરતા આરોપીઓ સામેની કાર્યવાહી દરમિયાન વધુ એક મહત્વની સફળતા મળી છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ એક આરોપી ભીલોડા ત્રણ રસ્તા નજીક જોવા મળ્યો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ વ્યક્તિને ઘેરી પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ પંકજકુમાર લક્ષ્મણભાઈ ડામોર, રહે. ડબયચા, તા. નયાગાવ, જિલ્લા ઉદયપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81, 98(2) અને 116(બી) હેઠળના ગુનામાં સંડોવાયેલ હતો અને છેલ્લા બે મહિનાથી પોલીસથી બચી નાસતો ફરતો હતો.
આરોપીને ઝડપી પાડ્યા બાદ ઇડર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીની ધરપકડ થતાં ઇડર પોલીસને નાસતા-ફરતા આરોપીઓ સામેની કામગીરીમાં વધુ એક મહત્વની સફળતા મળી હોવાનું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર. ચૌહાણ, પીએસઆઈ ડી.એસ. રાઓલ, એ.પો.કો. નિકુલસિંહ મહેન્દ્રસિંહ, જયદીપસિંહ નરેન્દ્રસિંહ, જયરાજસિંહ કેશરીસિંહ, અજયસિંહ પ્રહલાદસિંહ અને હાર્દિકકુમાર લાલજીભાઈ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.




