ઇડર

ઈડરમાં LCBની કાર્યવાહી : સ્વિફ્ટ કારમાંથી ૧,૪૧૬ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો રૂ. ૧૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે, બે શખ્સ ખેતરોમાં ફરાર

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઈડર પોલીસ મથક વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કુકડિયા રોડ પર નાકાબંધી ગોઠવી સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને જોઈ કારચાલક અને તેની સાથેનો અન્ય શખ્સ વાહન મૂકીને નજીકના ખેતરોમાં ભાગી છૂટ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે કુકડિયા રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે સ્વિફ્ટ કાર (નં. GJ-18-BD-5797)ને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે વાહન ન ઉભું રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા વાહન રોકવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. થોડે આગળ જઈ બંને શખ્સ કાર છોડીને ખેતરોમાં નાસી છૂટ્યા હતા.

પોલીસે કારની તપાસ કરતાં ડેકી અને સીટોમાં રાખેલા બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧,૪૧૬ બોટલો મળી આવી હતી. દારૂની કિંમત રૂ. ૬,૧૦,૯૮૦ તથા કારની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળીને કુલ રૂ. ૧૧,૧૦,૯૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કાર્યવાહી કરનાર ટીમ : આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાબરકાંઠાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!