ઇડર

ગંભીરપુરા હિટ એન્ડ રન કેસ :બિનઅનુભવી અને નશાખોર આઉટસોર્સિંગ ડ્રાઈવરના કારણે અકસ્માત સર્જાયાનો આક્ષેપ

બિનઅનુભવી અને નશાખોર આઉટસોર્સિંગ ડ્રાઈવરના કારણે અકસ્માત સર્જાયાનો આક્ષેપ: પુરાવા છુપાવવા પોલીસની ઉતાવળ? રોડ પર પલટી મારેલી સરકારી વાન ૨ જ કલાકમાં હટાવી લેવાઈ

ઈડર (સાબરકાંઠા): ઈડર હાઈવે પર આવેલ ગંભીરપુરા બારેલા તળાવ નજીક એક અત્યંત ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં સાબરકાંઠા પોલીસની સરકારી SML વાને રોડ સાઈડમાં ઉભેલા ત્રણ યુવકોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દર્દનાક અકસ્માતમાં મોપેડ સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પેટ્રોલ પૂરું થતાં રોડ સાઈડ ઉભા હતા યુવકો મળતી વિગતો મુજબ, ઈડરના ગંભીરપુરા અશરફ નગરના રહેવાસી મોહમ્મદ બખ્તિયાર મકરાણી, શેરખાન મકરાણી અને અયાન મકરાણી પોતાની સુઝુકી બર્ગમેન મોપેડ (GJ.27.FG.8021) લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન બારેલા તળાવ પાસે મોપેડમાં પેટ્રોલ પૂરું થઈ જતાં તેઓ વાહન રોડની એક બાજુએ ઊભું રાખીને ઊભા હતા. તે જ સમયે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી પહોંચેલી પોલીસની સફેદ રંગની SML વાનના ચાલકે મોપેડને પાછળથી ઠોકર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સરકારી વાન રોડ પર જ પલટી મારી ગઈ હતી.

ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પોલીસ વાનનો ડ્રાઈવર આઉટસોર્સિંગ કર્મચારી છે અને તેને દારૂ પીવાની કૂટેવ છે. અકસ્માત સર્જાયો ત્યારે પણ ડ્રાઈવર કથિત રીતે દારૂના નશામાં ધૂત હોવાની માહિતી સામે આવી છે. સાબરકાંઠા પોલીસ દ્વારા આવા બિનઅનુભવી અને નશાખોર કર્મચારીઓના હાથમાં સરકારી વાહનો સોંપાતા સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનો જનરોષ ફાટી નીકળ્યો છે.

રાતોરાત કામગીરી: ૨ જ કલાકમાં અકસ્માતગ્રસ્ત વાન રોડ પરથી હટાવી લેવાઈ અકસ્માતમાં પોલીસનું જ વાહન સંકળાયેલું હોવાથી તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અને તપાસના બદલે મામલો થાળે પાડવા કે પુરાવા છુપાવવા ઉતાવળ કરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે રોડ પર પલટી મારી ગયેલી સરકારી વાનને રાતોરાત માત્ર ૨ જ કલાકના ટૂંકા સમયમાં અકસ્માત સ્થળ પરથી હટાવી દેવામાં આવી હતી.

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘાયલ યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે લોકોએ નશાખોર ડ્રાઈવર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!