ઈડર પોલીસે લાંબા સમયથી ફરાર ત્રણ સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડ્યા

ઈડર પોલીસ સ્ટેશનની ટીમે લાંબા સમયથી સજા વોરંટના કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી નરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઈડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે બડોલી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, ઈડરની કોર્ટ દ્વારા ફોજદારી પ્રક્રિયા સંબંધિત કેસ નં. ૨૩૮૧/૨૦૨૫ અને ૨૩૮૩/૨૦૨૫માં સજા વોરંટ જાહેર કરાયેલા ત્રણ આરોપીઓને તેમના નિવાસસ્થાનેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં કાળાભાઈ બાલાભાઈ રાવળ, સુધાબેન વિનોદભાઈ રાવળ અને વિનોદભાઈ લલ્લુભાઈ રાવળ (તમામ રહે. બડોલી, તા. ઈડર, જી. સાબરકાંઠા)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જોરાવરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ દિલીપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ મકનસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




