ઈડર કોલ સેન્ટર મામલે ર૧ વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

જીગ્નેશ સોની હિંમતનગર
પોલીસે રૂ.ર૦.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
પકડાયેલા શખ્સો કોલ સેન્ટરમાં અમેરિકમાં ચાલતા કોમન નામથી લોન અપાવવાની લાલચ અપાતી હતી
વેરીફીકેશન અને એગ્રીમેન્ટના નામે ર૦૦ ડોલર લેવાતા હતા
એસએમસીએ પાડેલા દરોડા તપાસમાં અનેક રાજ ખોલે તેવી શકયતા
કોલ સેન્ટર ની તપાસ માટે એસઆઇટી ની રચના કરાઈ જેમાં ડી વાયએસપી એ.કે પટેલ, એસઓજી પી. આઈ ડી.સી પરમાર તથા સાયબર ક્રાઇમ પી.આઇ પી.બી ડોડીયા ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
પકડાયેલ ૧૦ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ઈડરના ધુલેટા દરવાજાથી બરવાવ જતા રોડ પર આવેલ એક મિનરલ પ્લાન્ટના બિલ્ડીંગના પહેલા માળે છેલ્લા કેટલાક સમયથી ચલાવાતા બોગસ કોલ સેન્ટરનો બે દિવસ અગાઉ એસએમસીની ટીમે દરોડો પાડી દસ્તાવેજો અને કેટલાક આધાર પુરાવા તથા કોલ સેન્ટર સાથે જોડાયેલા ૧૦જણાની અટકાયત કરી પુછપરછના અંતે એસએમસીની ટીમે અંદાજે રૂ.ર૦.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ૧૦ વિરૂધ્ધ મંગળવારે મોડેથી ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી આગામી તપાસમાં આ કોલ સેન્ટર ચલાવવા માટે કોના આર્શિવાદ છે તે પોલીસ ધારે તો જાહેર કરી શકે છે.
આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના ભરતભાઈ પીઠાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ લગભગ આઠેક મહિના અગાઉથી બરવાવ રોડ પર આવેલ એક બિલ્ડીંગમાં કોલ સેન્ટર ચલાવતા ૧૦ જણાએ કોલ સેન્ટરમાંથી અમેરિકામાં ચાલતા કોમન નામ ધારણ કરી કોલ કરનારી વ્યક્તિ પોતે અમેરિકાના ના હોવા છતાં લોનની લાલચ આપવામાં આવતી હતી.
ત્યારબાદ કેટલાક ગરજવાન અને લાલચથી અંજાઈ જનાર લોકોને વેરીફીકેશન ફ્રી લોન તથા એગ્રીમેન્ટના નામે પ૦થી ર૦૦ ડોલર પડાવી લેવામાં આવતા હતા. દરમ્યાન આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમી અને પુરાવાઓને આધારે ટીમ સાથે આવી બે દિવસ અગાઉ આ કોલ સેન્ટરમાં દરોડો પાડી ૧પ કલાકની મહેનત બાદ ૧૦ જણાના નિવેદન લેવામાં આવ્યા હતા તે આધારે એસએમસીના ભરતભાઈ ચાવડાએ મંગળવારે સાંજે પકડાયેલા ૧૦ તથા પકડવાના બાકી૧૧ વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ર૦ર૩ની કલમ ૩૧૬(ર), ૩૧૯(ર), ૩,૧૮(૪) તથા ઈન્ફોમેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬(સી),(ડી) મુજબ ફરીયાદ નોંધાવી હતી બાદમાં ગુનાની ગંભીરતા જોઈ વધુ તપાસ સા.કાં એસઓજીને આપવામાં આવી હતી
કોની વિરૂધ્ધ ફરીયાદ કરાઈ
– ગુલામગોશ ઉર્ફે રાઈડર સાબીરભાઈ કુરેશી (રહે.શાહપુર, અમદાવાદ)
– મોહમ્મદમુજાહિદ ઉર્ફે રોમન ઈનાયતહુસેન મલેક (રહે.મિરઝાપુર, અમદાવાદ)
– સાહીરખાન ઉર્ફે એલેક્ષ બીસ્મીલ્લાખાન પઠાણ (રહે.શાહીબાગ, અમદાવાદ)
– શાહરૂખ ઉર્ફે જેસન મુજીબરહેમાન શેખ (રહે.સરખેજ, અમદાવાદ)
– ફરહાજ ઉર્ફે ગાર્સિયા જીયાઉદ્દીન શેખ (રહે.વેજલપુર, અમદાવાદ)
– પાર્થ ઉર્ફે સોન ભરતભાઈ ચૌહાણ (રહે.હાથીજણ, અમદાવાદ)
– અઝહર ઉર્ફે રોય ગફુરખાન પઠાણ (રહે.શાહઆલમ, અમદાવાદ)
– રાજેશ ઉર્ફે ડેનિયલ ઠાકુરદાસ ભાવનાની (રહે.સાબરમતી, અમદાવાદ)
– નિકુંજ ખોડાભાઈ પટેલ (રહે.સરસપુર, અમદાવાદ)
– નિસર્ગ અજયભાઈ બારોટ (રહે.કૃષ્ણનગર, અમદાવાદ)
– બાબા (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)
– પેટ્રિક (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)
– જેકની ટીમ (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)
– વોલ્ટર (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)
– રમીઝ મલિક (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)
– સની (એપલ ગિફટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર)
– ડેન (એપલ ગિફટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર)
– યોરી (એપલ ગિફટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર)
– એલેક્સ (યુએસડીટી એકસ્ચેન્જર અને આંગડીયા પેઢીમાં નાણાં મોકલનાર)
– જહોન ફેનરિચ (યુએસડીટી એકસ્ચેન્જર અને આંગડીયા પેઢીમાં નાણાં મોકલનાર)
– સાદિક ઉર્ફે રાજા કુરેશી (રહે.મિરજાપુર, અમદાવાદ)
કયો મુદ્દામાલ કબ્જે લેવાયો ?
-રૂ.ર.રપ લાખના ૧ર લેપટોપ
– રૂ.૭.૪પ લાખના ૪૦ મોબાઈલ
– રૂ.૪૦,પ૯૦ રોકડ
– રૂ.૧૦ લાખની કાર
– રૂ.૧૬૦૦ના આઠ માઉસ
– રૂ.૧ર હજારના લેપટોપના ૧ર ચાર્જર
– રૂ.૧ હજારના ૧૦ મોબાઈલ ચાર્જર
– રૂ.૪ હજારના ૦૮ હેડફોન



