ઇડર

ઈડર એપીએમસીની ચૂંટણી પૂર્વે મતદાર યાદી મુદ્દે વિવાદ

ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણી પૂર્વે મતદાર યાદીને લઈને વિવાદ ઊભો થયો છે. ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નંદુભાઈ પટેલે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, હિંમતનગરને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે કેટલીક સેવા સહકારી મંડળીઓએ પેટા કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને ખોટી રીતે વધારાના સભ્યોના નામ મતદાર યાદીમાં સામેલ કર્યા છે. તેમણે આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે કાર્યવાહી નહીં થાય તો કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવશે.

રજૂઆત મુજબ બહમપુરી, મેસણ, નવાગામ, દાવડ, પોશીના, અબડાસણ, લાલપુર, સૂર્યનગરકંપા, મોહનપુરા, તખતગઢ, ઈશ્વરપુરા અને નાનીવાડોલ સહિતની સેવા સહકારી મંડળીઓમાં વ્યવસ્થાપક સમિતિમાં નિયમ મુજબ ૧૦ સભ્યો હોવા જોઈએ, પરંતુ કથિત રીતે વધારાના ૧૧ સભ્યો ઉમેરી કુલ ૨૧ સભ્યો દર્શાવી તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને કાયદા વિરુદ્ધ ગણાવી વાંધો નોંધાવ્યો છે.

નંદુભાઈ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને દરેક સહકારી મંડળીના પેટા કાયદા, વાર્ષિક અહેવાલ અને વ્યવસ્થાપક સમિતિની કાયદેસરની રચનાની ચકાસણી કર્યા બાદ જ અંતિમ મતદાર યાદી જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંત ખોટી માહિતી આપી વધારાના સભ્યોના નામ મોકલનાર મંડળીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ જરૂરી જણાય તો તેમની મતદાર યાદી રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ઈડર એપીએમસીની ચૂંટણી આગામી ૯ સપ્ટેમ્બરે યોજાનાર હોવાથી મતદાર યાદી અંગેનો આ વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. હવે જિલ્લા રજિસ્ટ્રાર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સહકારી ક્ષેત્ર તેમજ રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!