ઇડર

આઇ ખેડૂત પોર્ટલ પર અરજી છતાં ઇડર-વડાલીના ખેડૂતો મગફળી બિયારણ કીટથી વંચિત બે વખત ઓનલાઈન અરજી કરવા છતાં લાભ નહીં મળતાં ખેડૂતોમાં રોષ; પૂરતો લક્ષ્યાંક ન મળ્યાનો ખેતીવાડી વિભાગનો જવાબ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ મળે તે માટે આઇ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તે અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી સહિત અન્ય તાલુકાના ખેડૂતો પાસેથી ચોમાસુ મગફળી બિયારણ કીટ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જોકે, ચોમાસાની વાવણીની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં ઇડર અને વડાલી તાલુકાના અનેક ખેડૂતોને હજુ સુધી બિયારણ કીટનો લાભ ન મળતાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે ફેબ્રુઆરી મહિનામાં આઇ ખેડૂત પોર્ટલ પર સરકારની યોજના હેઠળ મગફળી બિયારણ કીટ માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી અને સમયસર કીટ મળે તે માટે ખેતીવાડી વિભાગમાં રજૂઆતો પણ કરી હતી. પરંતુ ગમે તે કારણસર ફેબ્રુઆરીમાં કરાયેલી અરજીઓ રદ કરવામાં આવતા ખેડૂતોને એપ્રિલ મહિનામાં ફરીથી નવી અરજી કરવાની ફરજ પડી હતી.

બે વખત ઓનલાઈન અરજી કરવા છતાં ઇડર અને વડાલી તાલુકાના અનેક ખેડૂતોને આજદિન સુધી મગફળી બિયારણ કીટ મળી નથી. ખેડૂતો વારંવાર ખેતીવાડી કચેરીનો સંપર્ક કરતા અધિકારીઓ દ્વારા સરકાર તરફથી પૂરતો લક્ષ્યાંક ફાળવવામાં ન આવ્યો હોવાનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે.

ખેડૂતોનું કહેવું છે કે વારંવાર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયાથી સમય અને મહેનત બંનેનો વ્યય થયો છે. હવે વાવણીની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી સમયસર બિયારણ ન મળવાથી ખેતી પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતોએ રાજ્ય સરકાર અને ખેતીવાડી વિભાગને અપીલ કરી છે કે ઇડર અને વડાલી તાલુકાના બિયારણ કીટથી વંચિત રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક લાભ આપવામાં આવે તેમજ પૂરતો લક્ષ્યાંક ફાળવી ખેડૂતોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!