ઇડર

ઈડરનું ઐતિહાસિક રાણી તળાવ ફરી વિવાદમાં: લાખોના ખર્ચે થતા બ્યુટીફિકેશનમાં લોટ પાણી ને લાકડા જેવી હલકી ગુણવત્તાનું કામ!

વિવાદાસ્પદ એજન્સીને કામ સોંપાતા ભ્રષ્ટાચારની બૂ: RCC કામમાં ઠેર-ઠેર દેખાતા હનીકોમ્બિંગથી કરોડો રૂપિયા પાણીમાં જવાની ભીતિ

ઈડર નગરપાલિકા દ્વારા શહેરની શાન સમાન ઐતિહાસિક રાણી તળાવના કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલા બ્યુટીફિકેશન (સુશોભન)ના કામમાં લોલમલોલ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જે એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી છે, તે એજન્સી પહેલાથી જ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે, તેમ છતાં તેને આટલું મોટું કામ સોંપાતા પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

પહેલા જેવી જ જર્જરિત દશા થવાના એંધાણ સ્થાનિકો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, રાણી તળાવના બ્યુટીફિકેશનનું કામ બિલકુલ હલકી ગુણવત્તાનું અને ક્વોલિટી વગરનું થઈ રહ્યું છે. અગાઉ પણ તળાવના સુશોભન પાછળ લાખો રૂપિયા ખર્ચાયા બાદ ગણતરીના વર્ષોમાં જ બધું જર્જરિત થઈ ગયું હતું. વર્તમાન કામગીરી જોતા એવું લાગી રહ્યું છે કે ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે અને પ્રજાના ટેક્સના લાખો રૂપિયા વેડફાઈ જશે.

સિમેન્ટ કામમાં મોટી બેદરકારી: ઠેર-ઠેર હનીકોમ્બિંગ હાલમાં તળાવ ખાતે જે આર.સી.સી (RCC) સિમેન્ટ વર્ક ચાલી રહ્યું છે, તેમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. દીવાલો અને સ્ટ્રક્ચરમાં ઠેર-ઠેર ‘હનીકોમ્બિંગ’ (સિમેન્ટ-રેતી વગરના કપચીના ગાબડાં) દેખાઈ રહ્યા છે. વાઇબ્રેટરનો યોગ્ય ઉપયોગ ન થવાને કારણે કે પછી મટીરિયલ મિક્સિંગમાં લોચા હોવાને કારણે સિમેન્ટનું આ કામ અત્યારથી જ બિસ્માર દેખાઈ રહ્યું છે. જો આવું જ નબળું કામ ચાલુ રહેશે, તો ચોમાસાની ઋતુમાં કે ગણતરીના વર્ષોમાં જ આ આખું માળખું ધસી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

નાગરિકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાએથી આ કામની તપાસ થાય, મટીરિયલના લેબ ટેસ્ટ લેવાય અને વિવાદાસ્પદ એજન્સી સામે કડક પગલાં ભરીને કામ રોકવામાં આવે, જેથી ઈડરના હાર્દ સમાન રાણી તળાવની ગુણવત્તા જળવાઈ રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!