ટોચના સમાચાર

સાબરકાંઠા-મહેસાણાના મંદિરોમાં ત્રાસ મચાવનાર બે ચોર આખરે પોલીસ જાળમાં

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા મંદિરો તેમજ મકાનોમાં ચોરીના સાત જેટલા ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી રૂ.૨.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ છેલ્લા બે વર્ષથી મંદિરોને નિશાન બનાવી રોકડ રકમ તથા ચાંદીના છત્તરોની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ડીવાયએસપી એ.કે. પટેલ તથા પ્રાંતિજ પીઆઈ એમ.એમ. વાળા અને તેમની ટીમના જણાવ્યા મુજબ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એકટીવા નં. જીજે-૦૯-ડીઆર-૨૨૫૭ ઉપર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે. પોલીસે પીલુદ્રા ગામના ભરત મહેશભાઈ વાઘેલાને અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ભરત વાઘેલાએ તેના સાથીદાર શૈલેષ જયંતિભાઈ નાયક સાથે મળી પ્રાંતિજ, તલોદ, જાદર તેમજ મહેસાણા જિલ્લાના વસઈ, લાડોલ અને ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરો અને મકાનોમાં ચોરીઓ આચર્યાની કબૂલાત કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન પ્રાંતિજ વિસ્તારમાંથી ચોરી કરાયેલા રૂ.૭ હજાર રોકડ, તલોદમાંથી રૂ.૩૧ હજારના ચાંદીના છત્તર, જાદરમાંથી રૂ.૨૬,૩૦૦ના ચાંદીના છત્તર, વસઈ વિસ્તારમાંથી અંદાજે રૂ.૧.૦૬ લાખના ચાંદીના છત્તર, ખેરાલુ તાલુકાના વરેઠા ગામના મંદિરમાંથી રૂ.૨૫ હજારથી વધુના ચાંદીના છત્તર તેમજ લાડોલ વિસ્તારમાંથી ૧૯૨ ગ્રામ વજનના અંદાજે રૂ.૨૫ હજારના ચાંદીના છત્તર મળી કુલ રૂ.૨.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પ્રાંતિજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે અન્ય વિસ્તારોમાં પણ આ બંનેએ ચોરીના ગુનાઓ આચર્યા છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!