ઈડર-ભિલોડા રોડ પર મોહનપુરા પાટિયા પાસે ૨૭ વર્ષથી ચાલતા ‘ખમણિયા કેમ્પ’નો પ્રારંભ: ધારાસભ્ય રમણ વોરાના હસ્તે ઉદ્ઘાટન

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે દર્શનાર્થે જતા પદયાત્રિકોની સેવા અર્થે ઈડર-ભિલોડા રોડ પર આવેલા મોહનપુરા પાટિયા પાસે વિતેલા ૨૭ વર્ષથી યોજાતા પ્રખ્યાત ‘ખમણિયા કેમ્પ’નો તાજેતરમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સંચાલકો દ્વારા હાથ ધરાયેલા આ સેવાયજ્ઞનું વિધિવત ઉદ્ઘાટન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદયાત્રિકોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત આયોજિત અને તાલુકા હેલ્થ ઓફિસ, કડિયાદરા સંચાલિત મેડિકલ કેમ્પનો પણ પ્રારંભ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૭ વર્ષથી સતત કાર્યરત આ કેમ્પમાં અંબાજી તરફ પગપાળા જતાં માઇભક્તો માટે પૌષ્ટિક નાસ્તા સહિતની વિવિધ સગવડો પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, દર્શનાર્થીઓને પગપાળા યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ન પડે તે માટે મેડિકલ કેમ્પ દ્વારા જરૂરી તબીબી સેવાઓ અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉદ્ઘાટન સમારોહમાં અશ્વિન પટેલ, કાંતિ પટેલ, કેવલ પટેલ, ધીરૂ પટેલ, વિનોદ પરમાર, રણવિજયસિંહ સહિત મોહનપુરા પાટિયાના સ્થાનિક દુકાનદારો, વિસ્તારના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




