ઇડર

બડોલીમાં કમળાના કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું: ચામુંડાનગરના ૨૨૧ ઘરો અને ૧,૪૪૨ની વસ્તીનો સર્વે કરાયો

ઈડર તાલુકાના બડોલી ગામમાં તાજેતરમાં બાળકોમાં કમળાના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો વકરતો અટકાવવા માટે મોટા પાયે સર્વેલન્સ અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા ગામમાં સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

મંગળવારે આરોગ્ય તંત્રની ટીમ દ્વારા બડોલીના ચામુંડાનગર વિસ્તારમાં ખાસ ઝુંબેશ ચલાવીને ૨૨૧ ઘરોનો સંપર્ક કરી ૧,૪૪૨ જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર બડોલી ગામના અન્ય તમામ વિસ્તારોમાં પણ ઘરે-ઘરે જઈને આરોગ્ય વિષયક તપાસ હાથ ધરવામાં આવી છે.

સર્વેલન્સ કામગીરી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ સ્થાનિક રહીશોને પાણીજન્ય રોગચાળાથી બચવા માટે જરૂરી તકેદારી અને સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર સમજ આપી હતી. પીવાના પાણીની શુદ્ધતા જાળવવા અને નિયમિત ક્લોરીનેશન કરવા બાબતે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

આ અંગે આરોગ્ય વિભાગની ટીમે બડોલી ગામના તલાટી સાથે બેઠક યોજીને પીવાના પાણીના સ્ત્રોતોમાં યોગ્ય માત્રામાં ક્લોરીનેશન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલમાં ગામની સ્થાનિક આરોગ્ય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધતા કેસોને અટકાવવા માટે સર્વે, જાગૃતિ તથા અટકાયતી પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!