ઇડર

કણાદરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મોટા કંથારીયાના હવસખોરને ૨૦ વર્ષની કેદ

રૂ.૪૦ હજાર દંડ તથા ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર ચૂકવવા ઈડર સ્પે. પોક્સો કોર્ટનો હુકમ

ભિલોડા તાલુકાના કણાદર ગામની ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ચર્ચસ્પદ કેસમાં ઈડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે દંડ તેમજ ભોગ બનનાર સગીરાને વળતર ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

કેસની વિગત અનુસાર, ગત તા. ૨૪ માર્ચ ૨૦૨૪ના રોજ ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામનો ૨૦ વર્ષીય યુવક વિવેકકુમાર કાન્તીભાઈ પાંડોર કણાદર ગામની ૧૩ વર્ષ, ૨ માસ અને ૨૮ દિવસની સગીરાને રિક્ષામાં બેસાડી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને ભિલોડા સ્થિત હાથમતી નદી વિસ્તારમાં ચાર દિવસ સુધી રાખ્યા બાદ ભિલોડાના આંબલી બજારમાં આવેલા એક રૂમમાં પૂરી રાખી તેની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા હેમખેમ પરત આવતા તેણે પરિવારજનોને આપવીતી જણાવી હતી, જેના આધારે પરિવારે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

ચિઠોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એન. સાધુએ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી જરૂરી પુરાવા એકત્રિત કરીને ઈડરની નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસ ઈડરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકારી વકીલ (એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર) પ્રણય જે. સોની દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક તથા લેખિત પુરાવા, સાક્ષીઓની જુબાની અને ધારદાર દલીલોને ધ્યાને રાખી પોક્સો કોર્ટના જજ શ્રી એમ.વાય. રાધનપુરવાલાએ આરોપી વિવેક પાંડોરને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૬૩, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તથા પોક્સો એક્ટ-૨૦૧૨ની કલમ ૪, ૫(એલ) અને ૬ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપી વિવેક પાંડોરને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૪૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભોગ બનનારને આપવા ઉપરાંત સગીરાને પુનર્વસન પેટે અલગથી રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ) નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!