હિમતનગર

હિંમતનગરમાં DGP CUP-2026: સાયકલિંગ સ્પર્ધામાં અમદાવાદના મહેશ વાઘેલા અને ગાંધીનગર રેંજની દિપાલી ધોળકિયા પ્રથમ

ઉત્સાહભેર યોજાયેલી સ્પર્ધામાં પોલીસ જવાનોએ ફિટનેસ અને સાહસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

સાબરકાંઠા પોલીસના યજમાનપદે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન ‘DGP CUP એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત યોજાયેલી સાયકલિંગ ઈવેન્ટમાં પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની શારીરિક સક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

હિંમતનગર બાયપાસ રોડ પર વોટર વિલે પાસેથી પુરુષ અને મહિલા સ્પર્ધકોને લીલી ઝંડી આપી સાયકલિંગ સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં પુરુષો માટે ૪૦ કિલોમીટર અને મહિલાઓ માટે ૩૦ કિલોમીટરનું અંતર નક્કી કરાયું હતું. જેમાં પુરુષ વિભાગના ૩૬ તથા મહિલા વિભાગના ૬ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો.

પુરુષ વિભાગના પરિણામો:

પુરુષોની ૪૦ કિલોમીટરની સ્પર્ધામાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ત્રિભુવનભાઈ વાઘેલાએ ૧ કલાક ૧૬ મિનિટ અને ૫૮ સેકન્ડમાં અંતર કાપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. IB બોર્ડરના એમ.જે. આહીર (૧ કલાક ૧૭ મિનિટ ૦૨ સેકન્ડ) બીજા ક્રમે અને અમદાવાદ GIPCFના જયદીપ જોશી (૧ કલાક ૧૭ મિનિટ ૦૫ સેકન્ડ) ત્રીજા ક્રમે રહ્યા હતા. નોંધનીય છે કે, મહેશ વાઘેલાએ અગાઉ ખેડા ખાતે યોજાયેલ DGP કપ સાયકલિંગમાં બીજું સ્થાન મેળવ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ૪,૨૫૦ કિલોમીટરની સાયકલ યાત્રા ૧૬ દિવસમાં પૂર્ણ કરી પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું હતું.

મહિલા વિભાગના પરિણામો:

મહિલાઓની ૩૦ કિલોમીટરની સાયકલિંગ સ્પર્ધામાં ગાંધીનગર રેંજની કોન્સ્ટેબલ દિપાલી પ્રવીણભાઈ ધોળકિયાએ ૧ કલાક ૨૦ મિનિટ અને ૨૨ સેકન્ડનો સમય નોંધી પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. ભાવનગર રેંજના દક્ષાબેન દેવાયતભાઈ બીજા ક્રમે અને પંચમહાલ-ગોધરા રેંજના ઉર્મિલાબેન કલાભાઈ ત્રીજા ક્રમે રહ્યા હતા.

ઉત્કૃષ્ટ આયોજન અને સુવિધાઓ: સાબરકાંઠા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની દેખરેખ હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સહભાગી પોલીસકર્મીઓએ સુંદર આયોજન અને મળેલા સહયોગની પ્રશંસા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!