સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામે ક્રિમિનલ કેસ નોંધવા કોર્ટનો આદેશ

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામે હિંમતનગરની અદાલતે ક્રિમિનલ કાર્યવાહીનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. હિંમતનગરના પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બેંકના ચેરમેન સામે ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવા અને પ્રોસેસ ઈશ્યુ કરવાનો ચુકાદો આપતાં સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવામાં આવી હોવાના આક્ષેપો સાથે સમગ્ર વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ગેરરીતિ આચરીને ચેરમેન પદ મેળવ્યું હોવાની રજૂઆતોને ધ્યાને લઈ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
નાની ડેમાઈ સહકારી મંડળીના હોદ્દેદારો સામે પણ લાલઆંખ
કોર્ટે માત્ર બેંકના ચેરમેન જ નહીં, પરંતુ આ મામલા સાથે સંકળાયેલા નાની ડેમાઈ સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરી સામે પણ કાનૂની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે IPC (ભારતીય દંડ સંહિતા)ની કલમ 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસઘાત), 467 (બનાવટી દસ્તાવેજ બનાવવો), 471 (બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવો) અને 114 (ગુનામાં મદદગારી) હેઠળ પ્રોસેસ ઈશ્યુ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અરવલ્લી-સાબરકાંઠામાં 125 શાખાઓ ધરાવતી મુખ્ય બેંક
સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનું કદ અને પ્રભાવ ખૂબ મોટો છે. અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં થઈને બેંકની અંદાજે 125 જેટલી શાખાઓ કાર્યરત છે. લાખો ખેડૂતો અને સહકારી મંડળીઓ આ બેંક સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી ચેરમેન સામેની ફોજદારી કાર્યવાહીના આદેશથી સહકારી અને રાજકીય આલમમાં ચર્ચા ઘેરી બની છે.
આ મામલે હિંમતનગરની સંયુક્ત સેવા સહકારી મંડળીઓના પ્રમુખ રવિ પટેલે પણ કોર્ટના આ આદેશને સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટેનું મહત્વનું પગલું ગણાવ્યું છે.




