સાબરકાંઠા

સાબરકાંઠામાં મમતા દિવસની ઉજવણી : કાટવાડ આયુષ્ય મંદિર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલે કામગીરીનું નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના કાટવાડ આયુષ્ય મંદિર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલે મુલાકાત લઈ મમતા દિવસ અંતર્ગત ચાલી રહેલી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મમતા દિવસ દરમિયાન સગર્ભા મહિલાઓ તેમજ જન્મથી પાંચ વર્ષ સુધીના બાળકોને રસીકરણ, આરોગ્ય તપાસ, વજન માપવાની કામગીરી સહિત વિવિધ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલે રસીકરણની કામગીરી, આરોગ્ય તપાસ અને અન્ય સેવાઓનું નિરીક્ષણ કરી આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા દર બુધવારે ઉજવાતા મમતા દિવસનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો છે. આ અવસરે માતાઓને સંતુલિત પોષણ, નવજાત બાળકની યોગ્ય સંભાળ, સ્તનપાનનું મહત્વ તેમજ સમયસર રસીકરણ અંગે પણ માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!