સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાન ઠાકોરની વરણી


સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોમાંથી ભાજપે ૨૮ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ૦૩-૦૩ બેઠકો પ્રાપ્ત થઈ હતી.
નવી રચાયેલી બોડીના સભ્યો અને સમર્થકો નવા સર્કિટ હાઉસ ખાતે ઢોલ-નગારા સાથે પહોંચ્યા બાદ જિલ્લા પંચાયત કચેરીએ આગમન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં સત્તાવાર વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વરણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે રીનાબેન પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે જાદર વિસ્તારના દિવાન ઠાકોરની વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે રાજેશભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે હિમાંશુભાઈ નિનામા તેમજ દંડક તરીકે મયુરભાઈ શાહની પસંદગી કરવામાં આવી હતી.
વરણી પૂર્ણ થયા બાદ ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો દ્વારા નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.




