દાહોદ ગેંગના ત્રણ તસ્કરો ઝડપાયા, જૈન મંદિરોમાંથી મૂર્તિ-ઘરેણાં ચોરીનો ભેદ ઉકેલાયો
એલસીબીએ રૂ.૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો બોલુન્દ્રા કાલ ભૈરવ મંદિર રોડ નજીકથી ત્રણેયને વાહનો સાથે દબોચી લેવાયા

ગુજરાતના વિવિધ જૈન મંદિરોમાંથી પ્રાચીન મૂર્તિઓ અને ઘરેણાંની ચોરી કરતી દાહોદ ગેંગના ત્રણ શખ્સોને સાબરકાંઠા એલસીબીએ ઝડપી પાડતા મંદિર ચોરીના બનાવોમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. એલસીબીએ આરોપીઓ પાસેથી ચોરાયેલી પ્રાચીન મૂર્તિઓ, મોબાઈલ ફોન અને ચાર વાહનો સહિત અંદાજે રૂ.૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મળતી માહિતી મુજબ ગત તા.૧૧ મેની રાત્રે ઈડર તાલુકાના પોશીના ગામે આવેલ પાશ્વનાથ જૈન દેરાસરમાંથી અજાણ્યા તસ્કરો ત્રણ પંચધાતુની પ્રાચીન પ્રતિમાઓ ચોરી ગયા હતા. ઉપરાંત દેરાસરની પાછળ આવેલ પદ્માવતી માતાના મંદિરના ભંડાળામાંથી રોકડ રકમ તથા એક પંચધાતુની મૂર્તિની પણ ચોરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે તપાસ એલસીબીને સોંપી હતી. ત્યારબાદ એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયા, પીએસઆઈ એસ.જે. ચાવડા તથા ટીમે સીસીટીવી ફૂટેજ, નેત્રમ કમાન્ડ કંટ્રોલ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક શંકાસ્પદ શખ્સો બોલુન્દ્રા તરફ એક્ટિવા અને સ્પોર્ટ્સ બાઈક લઈને આવી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે બોલુન્દ્રા કાલ ભૈરવ મંદિર રોડ નજીક વોચ ગોઠવી હતી. પોલીસે એક્ટિવા નં. જીજે.૨૦બીએલ.૪૩૪૯, બાઈક નં. જીજે.૨૦બીપી.૩૨૦૦ તથા બાઈક નં. જીજે.૩૧એડી.૭૬૬૩ પર સવાર ત્રણ શખ્સોને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં દાહોદ જિલ્લાના ચૌડીયા પટેલ ફળીમાં રહેતા શનુ શંકરભાઈ માવી, જાડા પરકાર ફળીમાં રહેતા રાજુ કકડીયા બીજીયા પરમાર અને ઝાલોદ તાલુકાના ગરાડુ ફળીયામાં રહેતા દેવા ગલજી મછારે રાજસ્થાનના ઉદેપુર વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
આ ઉપરાંત આરોપીઓએ ચિલોડા નજીક ધણપ ગામના જૈન મંદિરમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર મામલે એલસીબીએ ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ કાર્યવાહી માટે જાદર પોલીસને હવાલે કર્યા હતા.




