હિંમતનગરમાં બેરણા મુખ્ય રોડ પર વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ
અધૂરા પૂરાણ અને હલકી ગુણવત્તાના કામથી વાહનચાલકો પરેશાન, અકસ્માતનો ભય વધ્યો

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના બેરણા મુખ્ય રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. રોડની બાજુએ ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પૂરાણ ન કરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોમાં પણ આ કામગીરીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અનેક સ્થળોએ કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે તેમજ હલકી ગુણવત્તાનું કામ થતું હોવાથી રસ્તાઓ પર અકસ્માતનો ભય વધી ગયો છે. ખાસ કરીને હવે ચોમાસાની શરૂઆત નજીક હોવાથી ખાડાઓ વધુ ઊંડા બનવાની અને રસ્તાઓ ખરાબ થવાની શક્યતા વધી ગઈ છે.
નાગરિકોનું માનવું છે કે નગરપાલિકાએ માત્ર કામ શરૂ કરવાથી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ કામગીરીની ગુણવત્તા, સલામતી અને સમયસર પૂર્ણતા પર પણ કડક દેખરેખ રાખવી જરૂરી છે. બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે.

આ સમગ્ર મામલે નગરપાલિકાની કામગીરી અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા થયા છે.




