દેશમાં વધતી હીટવેવ અને પર્યાવરણ સંકટ મુદ્દે NGT સખત ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી

દેશમાં સતત વધી રહેલી અતિશય ગરમી, હીટવેવ, પાણી સંકટ અને પર્યાવરણ સંબંધિત જોખમોને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગંભીર વલણ અપનાવ્યું છે. NGTએ ગુજરાત સહિત કુલ 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી વિગતવાર જવાબ માંગ્યો છે.
ટ્રિબ્યુનલએ જણાવ્યું કે હીટવેવ હવે માત્ર ઋતુજન્ય સમસ્યા નથી પરંતુ જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ઊભી થયેલી ગંભીર રાષ્ટ્રીય આપત્તિ સમાન સ્થિતિ બની રહી છે.
NGTના અધ્યક્ષ ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ તથા નિષ્ણાત સભ્ય ડૉ. અફરોઝ અહમદની બેન્ચે સુઓમોટો નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા સહિત અનેક રાજ્યો તથા કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોને જવાબ આપવા આદેશ આપવામાં આવ્યો છે.
NGT દ્વારા આગામી સુનાવણી 18 અને 19 ઓગસ્ટ 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
ટ્રિબ્યુનલએ રાજ્ય સરકારોને નીચેના મુદ્દે વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે:
* હીટવેવ સામે હાલ કઈ કામગીરી ચાલી રહી છે
* લાંબા ગાળાનો હીટ એક્શન અને ક્લાઈમેટ પ્લાન શું છે
* પાણી સંકટ અને ભૂગર્ભ જળ બચાવવા શું આયોજન છે
* શહેરોમાં વધતા કાંકરીટ અને પ્રદૂષણ સામે શું પગલાં લેવાયા
* ગરીબ, મજૂર અને ખેડૂતોને ગરમીથી બચાવવા શું વ્યવસ્થા છે
* હોસ્પિટલો, શાળાઓ અને જાહેર સ્થળોએ ગરમી સામેની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં
* હવામાન ચેતવણી વ્યવસ્થા કેટલી અસરકારક છે
* વૃક્ષારોપણ અને હરિયાળી વધારવા શું કામગીરી થઈ રહી છે
NGTએ નોંધ્યું કે શહેરોમાં હરિયાળી ઘટતા, વાહન પ્રદૂષણ વધતા અને કાંકરીટના વિસ્તરણને કારણે તાપમાનમાં ગંભીર વધારો થઈ રહ્યો છે.
ટ્રિબ્યુનલએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં કામ કરતા ખેડૂતો અને મજૂરો માટે જીવલેણ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.
NGTએ સ્પષ્ટ કર્યું કે પર્યાવરણ સુરક્ષા, હવા, પાણી, જંગલ અને જાહેર આરોગ્ય મુદ્દે કાર્યવાહી કરવા તેને કાનૂની સત્તા પ્રાપ્ત છે અને રાજ્ય સરકારોની કામગીરી ઉપર હવે સીધી મોનિટરિંગ કરવામાં આવશે.




