રાજ્ય

લોકોના ટેક્સના કરોડો રૂપિયા છતાં આણંદ જિલ્લામાં વારંવાર બ્રિજ દુર્ઘટનાઓ, જવાબદારી કોની?

આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદ અને અડાસ રેલવે સ્ટેશન વચ્ચે આવેલા રેલવે ફાટક નંબર 250 પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ 30 મે 2026ના રોજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. કરોડો રૂપિયાના જાહેર ખર્ચ છતાં વારંવાર બ્રિજ અને ઓવરબ્રિજ સંબંધિત દુર્ઘટનાઓ સામે આવતા હવે સામાન્ય લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદ-અડાસ રોડ ઉપર રેલવે વિભાગ અને ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ નિર્માણાધીન ઓવરબ્રિજના બે મુખ્ય પિલર વચ્ચે ગોઠવાયેલો વિશાળ ગર્ડર અચાનક તૂટી પડ્યો હતો. ભારે ધડાકા સાથે આખો સ્પાન જમીનદોસ્ત થઈ જતા આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે કોંક્રીટ અને લોખંડના કાટમાળના ઢગલા સર્જાયા હતા. સદનસીબે તે સમયે નીચે કોઈ વાહન કે વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાએ સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ટેન્ડરો ફાળવાયા છતાં કામમાં ગુણવત્તા અને સુરક્ષા ધોરણોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે. સ્થાનિકો દ્વારા અગાઉ પણ સર્વિસ રોડ, સુરક્ષા અને કામગીરી અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા હવે આ પ્રકારની ઘટના સામે આવી છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન આણંદ જિલ્લામાં જોડાયેલી બ્રિજ દુર્ઘટનાઓ સતત સામે આવી રહી છે. 5 નવેમ્બર 2024ના રોજ વાસદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ 9 જુલાઈ 2025ના રોજ ગંભીરા ગામ નજીક ગંભીરા બ્રિજ ધરાશાયી થતા અનેક લોકોના જીવ ગયા હતા. હવે ફરી 30 મે 2026ના રોજ અડાસ ખાતે રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે લોકોના ટેક્સના પૈસાનું શું થઈ રહ્યું છે?

એક પછી એક આવી રહેલી દુર્ઘટનાઓને કારણે હવે લોકોમાં એ ચર્ચા તેજ બની છે કે શું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં ગુણવત્તા કરતાં ભ્રષ્ટાચાર અને બેદરકારી હાવી થઈ રહી છે? જો સમયસર કડક તપાસ અને જવાબદારી નક્કી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં વધુ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે.

સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા સમગ્ર પ્રોજેક્ટની સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ, કામગીરીમાં સામેલ એજન્સીઓની તપાસ અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!