ટોચના સમાચાર

માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજન માટે પ્રેરણાદાયી સેવાકાર્ય

તાપી જિલ્લામાં માનવતા જાગૃત ટ્રસ્ટ અને તાપી જિલ્લા દિવ્યાંગ સેવા કમિટી દ્વારા માનવસેવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સતત સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના સુરેશભાઈ ગામીત, જેઓ 80 ટકા દિવ્યાંગતા ધરાવે છે, તેઓ ગંભીર શારીરિક અસમર્થતાને કારણે સ્વયં હલનચલન કરી શકતા ન હોવાથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા.

આ અંગે જાણ થતાં તાપી જિલ્લા દિવ્યાંગ સેવા કમિટીના પ્રમુખ શ્રી વિનયભાઈ ચૌધરીએ વ્યક્તિગત રીતે સુરેશભાઈનો સંપર્ક કરી જરૂરી સહાય પૂરી પાડી હતી. તેમણે સંત સુરદાસ યોજના માટે e-KYC, સાધન સહાય યોજના, નિઃશુલ્ક બસ પાસ સહિત વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરાવી આપ્યા હતા. ઉપરાંત યોજનાઓનો લાભ સમયસર મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ પણ આપ્યો હતો.

વિશેષ નોંધનીય બાબત એ છે કે વિનયભાઈ ચૌધરી પોતે 75 ટકા દિવ્યાંગતા ધરાવે છે, છતાં અન્ય દિવ્યાંગ ભાઈ-બહેનોના જીવનમાં સહાયરૂપ બનવા માટે સતત કાર્યરત છે. એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા અન્ય દિવ્યાંગ વ્યક્તિની મદદ કરવામાં આવી રહી હોવાના કારણે આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.

વિનયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લાના કોઈપણ દિવ્યાંગ વ્યક્તિને સરકારી યોજનાઓ, માર્ગદર્શન અથવા અન્ય કોઈપણ પ્રકારની સહાયની જરૂર હોય તો માનવતા જાગૃત ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે.

“માનવ સેવા એ જ સાચી સેવા”ના સૂત્રને સાર્થક કરતી માનવતા જાગૃત ટ્રસ્ટની આ કામગીરી સમાજમાં સેવા, સહકાર અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!