ક્ષતિરહિત જાતિવસ્તી ગણતરીની માંગ સાથે કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું નેતાઓ સાથે પોલીસે અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ

ક્ષતિરહિત જાતિવસ્તી ગણતરીની માંગ સાથે કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું
નેતાઓ સાથે પોલીસે અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ
હિંમતનગર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે પોલીસે કરેલા અસભ્ય વર્તન અને ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન આગળ થયેલી ધક્કામુક્કીના વિરોધમાં સોમવારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
?આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ તાજેતરમાં બનાસકાંઠાના ભાજપના એક હોદ્દેદારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે અસભ્ય વર્તન કરી, અપશબ્દો બોલી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સંદર્ભે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ તથા અન્ય વરિષ્ઠ નેતાઓ ગાંધીનગર સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન ગયા હતા. જયાં પોલીસે મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો તથા પ્રદેશ પ્રમુખ તથા ધારાસભ્ય સાથે પોલીસ અધિકારીઓ દ્વારા ધક્કામુક્કી કરી ગેર વર્તણૂકભર્યું વર્તન કરાયું હતું. જેથી સાબરકાંઠાના અગ્રણીઓ તથા કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, જિલ્લા કોંગ્રેસ મીડિયા કન્વીનર, પૂર્વ પ્રમુખ અશોક પટેલ, કિરણસિંહ ઝાલા, અજમલજી, બાબુજી ઠાકોર, બેચરજી, રામસિંહ, દશરથજી તથા ચંદ્રસિંહ ઝાલા સહિત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




