સાબરકાંઠા

સાબરકાંઠા બેંકના મહિલા ચેરમેનના રાજીનામા મુદ્દે નવો વળાંક બેંકના સંચાલક મંડળની બેઠક બોલાવવાનું નક્કી કરતાં ડિરેકટરે ઉપવાસ આંદોલન સમેટી લીધુ

હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મહિલા ચેરમેને ખોટી રીતે હોદ્દો ગ્રહણ કર્યો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ થોડાક સયમ અગાઉ કોર્ટમાં દાખલ થયા બાદ ન્યાયાધિશે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાના આદેશ કર્યા બાદ જિલ્લાના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો દરમ્યાન સાબરડેરીના એક ડીરેકટરે આ મુદ્દે સોમવારે હિંમતનગરની વડી કચેરીમાં આવી મહિલા ચેરમેન સત્વરે રાજીનામું આપે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન કર્યું હતું. દરમ્યાન બેંકના નિયામક મંડળે આ મામલે તા.૧ર ઓકટોબર સુધીમાં નિયામક મંડળની બેઠક બોલાવવાની જાહેરાત કર્યા બાદ આ ડીરેકટરે ૧ર ઓકટોબર સુધી આંદોલન મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા બેંકના ચેરમેન તરીકે પદભાર સંભાળી રહેલા હંસાબેન પટેલે લગભગ અઢી વર્ષ અગાઉ બેંકના ચેરમેન તરીકે ચુંટાયા હતા જોકે તત્કાલિન સમયે સાબરકાંઠાના કેટલાક નાગરિકોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ મહિલા ચેરમેનને ગેરલાયક ઠેરવવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ હતી જે સંદર્ભે થોડાક દિવસ અગાઉ હિંમતનગર કોર્ટના ન્યાયાધિશે આ મામલે મહિલા ચેરમેન સહિત અન્ય ત્રણ જણા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ જિલ્લાના સહકારી રાજકારણમાં વધુ એક વખત સળવળાટ શરૂ થયો હતો.
તો બીજી તરફ સાબરડેરીના ડીરેકટર સતિષ પટેલે સહકારી ક્ષેત્રમાં તેમને થયેલા અન્યાયને યાદ કરીને સાબરકાંઠા બેંકના મહિલા ચેરમેનને હોદ્દા પરથી દુર કરવા તથા અન્ય સાત માંગણીઓને લઈ સોમવારે બેંક પરિસરમાં પોતાના ટેકેદારો સાથે ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા તેમને કરેલી માંગણીઓ મુજબ કોર્ટના હુકમનો અભ્યાસ કરી બેંકના કાયદાકીય સલાહકાર દ્વારા અભ્યાસ કરાયા બાદ બેંકના હિતોને અસર કરતી બાબતો અંગે કાયદાકીય અભિપ્રાય મેળવવો જોઈએ, બેંકના હિતોને નુકશાન થયું છે કે નહીં તેની તપાસ કરાવવી જોઈએ, બેંક સાથે નિયમ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી થઈ હોય તો બેંકે પોતાના હિતોના રક્ષણ માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
ઉપવાસ પર બેઠેલા ડીરેકટરે લેખિતમાં કરેલી રજુઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ચેરમેન પદ અંગે કાયદેસર નિર્ણય કરવો જોઈએ, બેંકના સભાસદોનું રક્ષણ થાય તે માટે વિશ્વાસ સંપાદન કરવો જોઈએ, એટલુ જ નહીં પણ સમગ્ર બાબત બોર્ડ સમક્ષ રજુ કરવી જોઈએ અને બેંકના રેકર્ડ તથા હિતોનું રક્ષણ કરવામાં પુરાવાઓ સુરક્ષિત રાખવાની માંગ કરી છે. દરમ્યાન બેંકના સત્તાવાળાઓ દ્વારા સમય પારખીને તરત જ આંદોલનકારો સમક્ષ એવી જાહેરાત કરી હતી કે આ મામલે તા.૧ર ઓકટોબર સુધીમાં નિયામક મંડળની બેઠક બોલાવવામાં આવશે. ત્યારબાદ ડીરેકટરે પોતાનું ઉપવાસ આંદોલન મુલત્વી રાખવાનો નિર્ણય કરી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સાબરકાંઠાની અન્ય સહકારી સંસ્થાઓમાં પણ વહીવટકર્તાઓને લઈને સાબરકાંઠા અને અરવલ્લીમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જેનું પરિણામ કેવું આવે છે તે હાલના તબક્કે કંઈપણ કહેવું વહેલુ લેખાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!