સાબરકાંઠા
સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો, હિંમતનગર-ઈડર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં બુધવારે સાંજ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં હિંમતનગર અને ઈડર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોને રાહત મળી હતી.
હિંમતનગર તાલુકાના હુંજ, બેરણા, કાંકણોલ, ડેમાઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ ઈડર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
અચાનક પડેલા વરસાદથી માર્ગો ભીના બન્યા હતા અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. હવામાનમાં આવેલા આ પલટાને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ખેડૂતોમાં પણ વરસાદને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.




