સાબરકાંઠા

રાણી તળાવ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં કામની ગુણવત્તા અંગે સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની

ઈડર શહેરના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ તરીકેની આગવી ઓળખ ધરાવતા રાણી તળાવ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં કામની ગુણવત્તા અંગે સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. સુશોભન અને વિકાસના કામોમાં યોગ્ય ધોરણો જળવાઈ રહ્યા છે કે નહીં, તે અંગે નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

RCC કામમાં દેખાતી ગંભીર ખામીઓ

સ્થળ પરથી સામે આવેલા ફોટોગ્રાફ્સ અને જાગૃત નાગરિકોના નિરીક્ષણ મુજબ, જે આરસીસી (RCC) દીવાલો તૈયાર કરવામાં આવી છે, તેમાં ગંભીર ખામીઓ નજરે પડી રહી છે. કેટલાક ભાગોમાં કપચી બહાર દેખાઈ રહી છે, અને સપાટી અસમાન હોવા ઉપરાંત ત્યાં ‘હનીકોમ્બિંગ’ (મધપૂડા જેવી સ્થિતિ, જ્યાં ક્રોન્કિટ બરાબર ન ભરાયું હોય) જોવા મળી રહી છે. આ ગંભીર તકનીકી ખામીઓ દીવાલની મજબૂતાઈ અને ટકાઉપણું સામે પ્રશ્નો ઊભા કરે છે.

નિષ્ણાતોનો મત

બાંધકામ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, RCC કામમાં ક્રોન્કિટિંગ દરમિયાન યોગ્ય કોમ્પેક્શન અથવા વાઇબ્રેશન ન કરવામાં આવે, તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ‘હનીકોમ્બિંગ’ દીવાલની આયુષ્ય ઘટાડી શકે છે અને લાંબા ગાળે સ્ટ્રક્ચરને નબળું પાડી શકે છે. જોકે, આ અંગેની સચોટ વિગતો અને ગુણવત્તા અંગેની પુષ્ટિ ટેક્નિકલ તપાસ બાદ જ થઈ શકે.

ભૂતકાળના અનુભવોથી નાગરિકો ચિંતિત

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અગાઉ પણ તળાવના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ માળખાં ટૂંકા સમયમાં જ જર્જરિત બની ગયાં હતાં. આ ભૂતકાળના અનુભવોને કારણે હાલમાં ચાલી રહેલા કામમાં પણ ગુણવત્તાના પ્રશ્નો ઊભા થતાં, પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો કામગીરી નબળી રહેશે, તો ઈડરના આ ઐતિહાસિક સ્થળને લાંબા ગાળે નુકસાન થશે.

આ અંગે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!