હિમતનગર

કાંકણોલ રોડ પર વરસાદી પાણી ભરાતાં સ્થાનિકોમાં રોષ દર ચોમાસે સર્જાતી સમસ્યાનો હજુ સુધી ઉકેલ નહીં, તંત્ર સામે ઉઠ્યા સવાલો

સાબરકાંઠા જિલ્લામાં પડેલા વરસાદ બાદ હિંમતનગર શહેરના કાંકણોલ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.કાંકણોલ રોડ વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલમાં તો ચોમાસાની શરૂઆત થઈ છે અને થોડા વરસાદમાં જ રોડ પર પાણી ભરાઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!