હિમતનગર

સાબરડેરીમાં ચેરમેનની ચેમ્બરમાં જ ડિરેક્ટર પર હુમલો, સહકારી ક્ષેત્રમાં હડકંપ

શીતલ ઠાકર,ગાધીનગર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આસ્થા સાથે જોડાયેલી સાબરડેરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ ડિરેક્ટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

મળતી માહિતી મુજબ, ડિરેક્ટર જશુ પટેલે સરહદી વિસ્તારના દૂધમાં ચાલી રહેલી કથિત અનિયમિતતાઓ અંગે સત્તાવાર માહિતી અને હિસાબ માંગ્યા હતા. આ મુદ્દે ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું.

આક્ષેપ છે કે બે સિનિયર ડિરેક્ટરોએ એકસાથે મળી જશુ પટેલ પર શારીરિક હુમલો કર્યો. ખુરશીમાં બેઠેલા જશુ પટેલને ધક્કો મારી નીચે પાડી દેવામાં આવ્યા અને લાતો મારવામાં આવી હોવાની વાત સામે આવી છે. અચાનક થયેલી આ ઘટનામાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌથી ગંભીર બાબત એ છે કે સમગ્ર બનાવ ચેરમેનની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. શિસ્તબદ્ધ ગણાતી સહકારી સંસ્થામાં આ પ્રકારની ઘટના બનતા સહકારી વર્તુળોમાં ભારે ચર્ચા અને અસંતોષ ફેલાયો છે.

ઘટના બાદ ભોગ બનનાર ડિરેક્ટર દ્વારા હુમલાખોરો વિરુદ્ધ કાયદેસર પોલીસ ફરિયાદ કરવાની તૈયારી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. લાખો પશુપાલકોની આર્થિક જીવનરેખા ગણાતી સંસ્થામાં આંતરિક વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરવો ગંભીર અને ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!