હિમતનગર

હિંમતનગર આઈટીઆઈ નજીકથી ઘાસચારાની આડમાં લઈ જવાતો રૂ.૧૦.૫૯ લાખનો દારૂ પકડાયો

ગ્રામ્ય પોલીસે ત્રણ જણાની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે લીધો

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી બુધવારે પાસ-પરમીટ વિના બોલેરોમાં લીલા ઘાસચારાની આડમાં લઈ જવાતો અંદાજે રૂ.૧૦.૫૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનથી ઈડર થઈ વિરપુર બાયપાસ માર્ગે બોલેરો નં. RJ-06-GE-3646 માં દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે હિંમતનગર આઈટીઆઈ સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકાસ્પદ બોલેરો આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન પુરઝડપે દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી બોલેરોને ઝડપી લીધી હતી.

તપાસ દરમિયાન બોલેરોમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવવામાં આવેલ ૩૮ પેટીમાંથી કુલ ૧૪૬૪ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ.૫.૩૯ લાખ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે વાહનમાં બેઠેલા પુરણ જગદીશચંદ્ર કુમાવત, દુર્ગેશ કનૈયાલાલ માલી અને દુર્ગેશ ભેરૂદાસ વૈષ્ણવને ઝડપી લીધા હતા. પોલીસે દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન તથા બોલેરો સહિત કુલ રૂ.૧૦.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!