હિંમતનગરના મોતીપુરાના રહીશે વ્યાજખોરોના ત્રાસથી મોતને વ્હાલુ કર્યું
ત્રણ જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોતીપુરાના એક રહીશને અઠવાડીયાના ૧૦ ટકા લેખે કેટલીક રકમ આપી હતી ત્યારબાદ આ ત્રણેય જણાએ શારિરીક અને માનસિક ત્રાસ આપતાં મોતીપુરાના આ યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લઈ મોતને વ્હાલુ કરી દીધુ હતું. જે અંગેની ફરીયાદ શુક્રવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે મોતીપુરા ગામના અજયસિંહ બાલુસિંહ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ એક મહિના અગાઉ હિંમતનગરના હડિયોલ પુલ છાપરીયા વિસ્તારમાં રહેતા રવિ જગમલભાઈ દેસાઈ, માથાસુલીયાના બળવંતસિંહ જસવંતસિંહ પરમાર અને નાનીબેબાર ગામના અનોપસિંહ વજેસિંહ સિસોદીયાએ અજયસિંહ ચૌહાનના ભાઈ મહેન્દ્રસિંહને થોડાક સમય અગાઉ વ્યાજે નાણાં આપ્યા હતા અને અઠવાડીયાના ૧૦ ટકા લેખે વ્યાજ લેવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ આ ત્રણેય જણાએ મહેન્દ્રસિંહ પાસે પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ગાળો બોલી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું જેથી કંટાળીને મહેન્દ્રસિંહ ચૌહાણે તા.૧૯ જૂનના રોજ મોટી ડેમાઈ ગામના ખરાબાની જમીનમાં જઈ અંતિમ ચીઠ્ઠી લખી પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી મહેન્દ્રસિંહનું મોત નિપજયું હતું ત્યારબાદ અજયસિંહ ચૌહાણે ત્રણેય વિરૂધ્ધ શુક્રવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.




