પ્રાંતિજના મેમદપુરમાં પંખીઘર તોડવા બાબતે ઝઘડો થતાં આઠ વિરૂધ્ધ ફરીયાદ
મેમદપુરના ડેપ્યુટી સરપંચ સાથે ઝપાઝપી કરી ધમકી આપી

જીગ્નેશ સોની હિંમતનગર
પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામે ત્રણ દિવસ અગાઉ ગામમાં આવેલ તથા જર્જરીત થયેલ પંખીઘર તોડવા માટે ગ્રામપંચાયતમાં કરાયેલા ઠરાવ બાદ ગામના ઉપસરપંચને ગામના જ આઠ જણાએ ઝપાઝપી કરી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી ઉપસરપંચે ગુરૂવારે આઠેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે મેમદપુર ગામના કાનજીભાઈ અરખાભાઈ ચમારે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગામમાં આવેલ જૂનુ જર્જરીત થઈ ગયેલ પંખીઘર તોડવા બાબતે ગ્રામપંચાયતમાં તેનો ઠરાવ કર્યો હતો. જે અંગે આઠેય જણાએ ગત તા. રપ ફેબ્રુઆરીના રોજ એકસંપ થઈ આવી ઉપસરપંચને જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરી અપમાનિત કર્યા બાદ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ગુરૂવારે મામલો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો.જ્યાં કાનજીભાઈ ચમારે મેમદપુર ગામના અતુલસિંહ દિપસિંહ પરમાર, રમેશજી જેણાજી ચૌહાણ, હિંમતસિંહ જીવતસિંહ પરમાર, મનહરસિંહ હિંમતસિંહ પરમાર, પિન્ટુસિંહ ઉદેસિંહ પરમાર, ઉદેસિંહ કોદરસિંહ પરમાર, હઠીસિંહ કોદરસિંહ પરમાર અને અનિરૂધ્ધસિંહ દિપસિંહ પરમાર વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.




