હિમતનગર

ઝહીરાબાદ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હોબાળો, ગ્રામજનોએ ડીડીઓને કરી રજૂઆત

તલાટી-સરપંચની કાર્યપદ્ધતિ સામે ગ્રામજનોમાં ભારે રોષ, વિકાસના કામો અને ભ્રષ્ટાચારના મુદ્દે ઉઠ્યા સવાલ

હિંમતનગર તાલુકાના ઝહીરાબાદ ગામે મંગળવારે યોજાયેલી ગ્રામસભા દરમિયાન વિકાસના કામો, પ્રાથમિક સુવિધાઓ અને ભ્રષ્ટાચારના મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. ગ્રામજનોએ સરપંચ અને તલાટી કમ મંત્રીની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી ઉગ્ર રજૂઆતો કરતાં બેઠકમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બાદમાં કેટલાક ગ્રામજનો અને પંચાયતના પદાધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) સમક્ષ લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મળતી માહિતી મુજબ, તાલુકા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભાની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી. જોકે વિકાસના કામો અને પંચાયતના વહીવટ અંગે ચર્ચા શરૂ થતાં ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન સરપંચ અને તલાટી સામે ભ્રષ્ટાચાર તેમજ વહીવટી ગેરરીતિના આક્ષેપો થતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એક સમયે ગ્રામજનો અને પંચાયતના પદાધિકારીઓ વચ્ચે તુ-તુ, મેં-મેં જેવી સ્થિતિ સર્જાતા ગ્રામસભાનો માહોલ ગરમાયો હતો. ગામના યુવાનો અને મહિલાઓએ પણ પીવાના પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગ્રામજનોનું કહેવું હતું કે રજૂઆત છતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તલાટી કમ મંત્રી સરપંચના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે, જેના કારણે પંચાયતના વહીવટમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) અને જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા રજૂઆતના આધારે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!