સાબરકાંઠામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે કલેક્ટરનું જાહેરનામું

લાઉડસ્પીકર, ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમ માટે પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત, સાઉન્ડ લિમિટર વગર પરવાનગી નહીં
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી અને સુલેહ-શાંતિ જળવાઈ રહે તેમજ ધ્વનિ પ્રદૂષણથી નાગરિકોના સ્વાસ્થ્ય, દર્દીઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિત નારાયણ સિંહ સાંદુ (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023ની કલમ-163 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(1) અને 37(1)(એફ) હેઠળ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તા. 08 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ કોઈપણ જાહેર સ્થળે લાઉડસ્પીકર, ડી.જે., માઇક અથવા સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત રહેશે. કાર્યક્રમના આયોજકોએ કાર્યક્રમ યોજાનાર તારીખના ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.
મંજૂરી મળ્યા બાદ પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ માત્ર સવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી જ કરી શકાશે. જ્યારે રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી લાઉડસ્પીકર કે ડી.જે. વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયત તહેવારો દરમિયાન રાત્રે 12:00 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવશે.
જાહેરનામામાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરેલ ન હોય તેવી સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. અથવા લાઉડસ્પીકર માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવશે નહીં.
કલેક્ટરશ્રીએ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને ‘શાંત વિસ્તાર’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં લાઉડસ્પીકર, માઇક કે અન્ય ધ્વનિ વિસ્તરણ સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ વિસ્તારોમાં ડેસિબલ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. તેના મુજબ ઔદ્યોગિક વિસ્તારમાં દિવસ દરમિયાન 75 ડેસિબલ અને રાત્રે 70 ડેસિબલ, વાણિજ્યિક વિસ્તારમાં દિવસ દરમિયાન 65 ડેસિબલ અને રાત્રે 55 ડેસિબલ, રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ, જ્યારે શાંત વિસ્તારમાં દિવસ દરમિયાન 50 ડેસિબલ અને રાત્રે 40 ડેસિબલથી વધુ અવાજ કરી શકાશે નહીં.
જાહેરનામામાં માઇક સિસ્ટમ દ્વારા કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક, કોમી લાગણી દુભાય અથવા સામાજિક શાંતિ ભંગ કરે તેવા ભાષણો કે ગીતો વગાડવા પર પણ સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે જાહેરનામાની કોઈપણ શરતનો ભંગ કરનાર વ્યક્તિ સામે લાગુ કાયદા મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




