સાબરકાંઠા

ઈડર–ખેડબ્રહ્મા–અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સીમેન્ટિંગ મટીરીયલ દ્વારા ત્વરિત પેચવર્કની કામગીરી પૂર્ણ કરાઇ

ઈડર–ખેડબ્રહ્મા–અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું ત્વરિત પેચવર્ક પૂર્ણ

સીમેન્ટિંગ મટીરીયલથી કરવામાં આવ્યું સમારકામ; યાત્રાધામ અંબાજી જતો મહત્વનો માર્ગ વધુ સુરક્ષિત અને સુગમ બન્યો

સાબરકાંઠા: ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ઈડર–ખેડબ્રહ્મા–અંબાજી માર્ગ પર અનેક સ્થળોએ ખાડાઓ પડતાં વાહનચાલકો અને અંબાજી જતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈને માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

માર્ગની મરામત માટે વિશેષ સીમેન્ટિંગ મટીરીયલનો ઉપયોગ કરીને પેચવર્ક કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સમારકામ વધુ ટકાઉ અને મજબૂત હોવાથી વરસાદી ઋતુમાં પણ માર્ગની ગુણવત્તા જળવાઈ રહેવાની અપેક્ષા છે. પરિણામે ઈડર, ખેડબ્રહ્મા અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ હવે વધુ સુરક્ષિત અને વાહનવ્યવહાર માટે અનુકૂળ બન્યો છે.

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ખાનગી વાહનો, જાહેર પરિવહન તેમજ અંબાજી દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે. વરસાદી માહોલ વચ્ચે મુસાફરોને અગવડ ન પડે અને અકસ્માતની સંભાવના ઘટે તે માટે માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. વિભાગના અધિકારીઓ અને તકનીકી ટીમે સતત દેખરેખ રાખીને પેચવર્કનું કામ સમયસર પૂર્ણ કર્યું છે.

વહીવટી તંત્રે જણાવ્યું છે કે પ્રજાજનોની સુરક્ષા, માર્ગોની નિયમિત જાળવણી અને અકસ્માતમુક્ત વાહનવ્યવહાર તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન જિલ્લામાં આવેલા મુખ્ય માર્ગો પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી મુસાફરોને સલામત અને સુગમ મુસાફરી મળી રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!