સ્ટ્રોમ વોટર લાઈન કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી ઇન્દ્રનગર-ગોકુલનગર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો

હિંમતનગર શહેરમાં વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે ત્યારે વારંવાર પાણીની પાઈપલાઈનો તૂટવાના બનાવો સામે આવી રહ્યા છે. જેના કારણે શહેરીજનોને સમયસર પાણી મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન ગુરૂવારે બેરણા રોડ પર ચાલી રહેલી સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જતા ઇન્દ્રનગર, ગોકુલનગર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ હિંમતનગર પાલિકાની હદમાં આવેલા બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ નજીક વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી ચાલી રહી છે. ગુરૂવારે વહેલી સવારે ગોકુલધામ સોસાયટી નજીક ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. જેના કારણે ઇન્દ્રનગર, ગોકુલનગર અને આસપાસના વિસ્તારોમાં સવારે પાણી પુરવઠો બંધ રહ્યો હતો.
ઉનાળાની ગરમી વચ્ચે પાણી ન આવતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકાના ફરિયાદ નિવારણ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કોલ રિસીવ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
બીજી તરફ હિંમતનગર નગરપાલિકાના પૂર્વ સદસ્ય રાકેશભાઈ પટેલે સોશિયલ મીડિયા મારફતે વિસ્તારના લોકોને જાણ કરી હતી કે સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલુ છે અને કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.




