સાબરકાંઠામાં બકરાઈદ પર્વને લઈ પોલીસ તંત્ર સજ્જ રહ્યું હિંમતનગર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ૨૬ સ્થળોએ નમાજ અદા કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સહિત વિવિધ વિસ્તારોમાં ગુરૂવારે બકરાઈદના પવિત્ર પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં મસ્જિદો અને ઈદગાહ સહિત કુલ ૨૬ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. તહેવારને લઈ વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જ્યારે મુસ્લિમ વિસ્તારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો અને ધંધા બંધ રાખ્યા હતા.
હિંમતનગર શહેરના છાપરિયા, દરિયાઈપાર્ક, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ, ચાંદનગર, પાણપુર પાટિયા, મોટી વહોરવાડ, હસનશહીદ દરગાહ વિસ્તાર, હુસૈનાબાદ, અમનપાર્ક, અંબર સિનેમા રોડ, નાની વહોરવાડ, અશરફનગર, સંજરનગર, મહેબુબપાર્ક, ચિસ્તીયાનગર, નવી મહોલત, પરબડા અને કિફાયતનગર સહિતના વિસ્તારોમાં સવારે ૬ઃ૪૫ થી ૭ઃ૩૦ દરમિયાન અલગ અલગ સમયે નમાજ અદા કરવામાં આવી હતી.

ખેડ તસિયા રોડ પર આવેલી ઈદગાહ ખાતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને બકરાઈદની નમાજ અદા કરી હતી. તહેવારને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અગાઉથી શાંતિ સમિતિની બેઠકો યોજી વિવિધ સમાજના આગેવાનો સાથે સંકલન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોઈન્ટ ગોઠવી વાહન વ્યવહાર સુચારૂ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું જેથી સમગ્ર તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
સાબરકાંઠાના પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર સહિતના વિસ્તારોમાં પણ બકરાઈદ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.




