આધુનિક સમાજ પર અંધશ્રદ્ધાનો કલંક ગાડી ગામે ડાકણ હોવાના વહેમમાં હત્યાએ ઉભા કર્યા સવાલો

દેશ આજે વૈજ્ઞાનિક વિકાસ, આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ યુગ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હજુ પણ કેટલાક વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથાના નામે માનવતાને શરમાવે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામે આવી જ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં ડાકણ હોવાના વહેમમાં એક વ્યક્તિની કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૯ મેના રોજ સાંજના સમયે ગામના ૧૨ જેટલા લોકો એકસંપ થઈ મનુભાઈ રામજીભાઈ ડામોરના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ મનુભાઈની પત્ની કમળાબેનને “ડાકણ” હોવાનું કહી પરિવાર સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ મનુભાઈને ઘરેથી બળજબરીપૂર્વક ખેંચી ખેતર તરફ લઈ જઈ તેમના પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મનુભાઈ ડામોરનું મોત નિપજ્યું હતું.
આ હુમલામાં જીતેન્દ્ર મનુભાઈ ડામોર અને સતિષ મનુભાઈ ડામોર સહિત પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ બાદ વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો હતો.
સમગ્ર ઘટનાને લઈને બુધવારે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં વાલજી સળુજી ડામોર, જિજ્ઞેશ વાલજીભાઈ ડામોર, રોહિત કાંતિભાઈ ડામોર, જીવાજી સળુજી ડામોર, નગજી સળુજી ડામોર, હિરાજી સળુજી ડામોર, વિજય હિરાજી ડામોર, કાંતિ સળુજી ડામોર, સંગીતાબેન નગજીભાઈ ડામોર, અરૂણાબેન વાલજીભાઈ ડામોર, શારદાબેન કાંતિભાઈ ડામોર અને સિતાબેન હિરાજી ડામોર (તમામ રહે. ગાડી) સામે ગુનો નોંધાયો છે.
ગાડી ગામની આ ઘટનાએ ફરી એકવાર સમાજ સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે કે એક તરફ દેશ આધુનિકતા અને વિજ્ઞાન તરફ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથાના વહેમમાં હજુ પણ નિર્દોષ લોકોના જીવ લેવામાં આવી રહ્યા છે.




