હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન: પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું

હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશમાં “લોકશાહી બચાવો, દેશ બચાવો – વોટ બચાવો, દેશ બચાવો” નારા સાથે વિરોધ પ્રદર્શન યોજીને હિંમતનગર પ્રાંત કલેક્ટર/મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.
હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ બારોટની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારી કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે માર્ચ કરી હતી અને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
આવેદનપત્રના મુદાઓ અને માંગણીઓ:
૧. મતદાર યાદીમાંથી નામો રદ કરવાનો આરોપ: આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં સમગ્ર દેશમાં હાથ ધરાયેલી SIR પ્રક્રિયા દરમિયાન દેશના અંદાજે ૧૩ કરોડથી વધુ નાગરિકોના નામો મતદાર યાદીમાંથી કમી કરી દેવાયા છે. ૨. મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડની માંગ: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર નિષ્પક્ષ વર્તનમાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ મૂકી તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવા માંગ કરી છે. ૩. રાજીનામાની માંગ: મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપે તેમજ આ પ્રક્રિયાને સમર્થન આપનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા આ ગંભીર બાબતે યોગ્ય કક્ષાએ પહોંચાડીને ન્યાયી કાર્યવાહી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




