સાબરકાંઠા

જિલ્લા પોલીસ વડા પરિવાર અને પોલીસ પરિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ બોલાવી

હિંમતનગરમાં 'રણકાર નવરાત્રી' મહોત્સવ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે આવેલી જિલ્લા પોલીસ કચેરીના ગ્રાઉન્ડમાં ‘રણકાર ગ્રુપ’ દ્વારા આયોજિત પાંચ દિવસીય ‘રણકાર નવરાત્રી મહોત્સવ’ ઉત્સાહ અને ઉમંગસભર માહોલમાં સંપન્ન થયો હતો. આ મહોત્સવમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાગ લઈ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરી હતી.

માતાજીની આરાધના અને ગરબાની રમઝટ

કાર્યક્રમની શરૂઆત જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં આદ્યશક્તિ અંબાજી માતાજીની આરતી અને પૂજા-અર્ચના કરીને કરવામાં આવી હતી. આરતી બાદ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

સુપ્રસિદ્ધ ગાયિકા અભિતા પટેલના સુરમય અને તાલેબદ્ધ ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને આવેલા પોલીસ પરિવારના સભ્યો, બાળકો અને મહિલાઓએ પાંચેય દિવસ સુધી રાસ-ગરબાની અનોખી મોજ માણી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા

આ આયોજનની મુખ્ય વિશેષતા એ રહી કે, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ પોતાના પરિવાર સાથે ગરબાના રાસમાં જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લાના ડીવાયએસપી (DySP), પીઆઈ (PI), પીએસઆઈ (PSI) સહિતના તમામ નાના-મોટા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પોતાના દૈનિક ફરજમાંથી વિરામ લઈ પરિવારજનો સાથે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા.

સુરક્ષા અને આયોજન

નવરાત્રી મહોત્સવ દરમિયાન ગ્રાઉન્ડ ખાતે કડક પોલીસ બંદોબસ્ત સાથે સુચારૂ સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી.પોલીસ કર્મચારીઓ જે સતત નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત રહેતા હોય છે, તેમના માટે આ પાંચ દિવસીય આયોજન આનંદ, એકતા, ભાઈચારા અને ભક્તિનો એક અનોખો અને યાદગાર અવસર સાબિત થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!