વિકાસ સપ્તાહ–૨૦૨૬: હિંમતનગર લૉ કોલેજ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ અભિયાન અને શ્રમદાન
સામાજિક જવાબદારી અને શ્રમના ગૌરવના સંદેશ સાથે ૫૪ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ સક્રિય ભાગીદારી નોંધાવી

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત “૨૫ વર્ષ વિકાસગાથા – કર્મયોગીની સેવાના ૨૫ વર્ષ”ની ઉજવણીના ભાગરૂપે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક વિશેષ સફાઈ અભિયાન અને શ્રમદાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરની પ્રેરણા અને લૉ કોલેજના આંતરિક ગુણવત્તા ખાતરી કક્ષ (IQAC)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, સામાજિક સેવાભાવના અને શ્રમનું ગૌરવ કેળવવાનો હતો.
આ સફાઈ ઝુંબેશમાં કોલેજના ૫૦ વિદ્યાર્થીઓ તથા ૪ સ્ટાફ સભ્યો મળીને એકંદર ૫૪ સભ્યોએ ઉત્સાહભેર જોડાયા હતા. શ્રમદાન દરમિયાન સ્થાનિક ઝૂંપડપટ્ટી વિસ્તારની સફાઈ કરવાની સાથે સ્થાનિક રહીશોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ “સ્વચ્છતા એ જ સેવા છે”ના મંત્ર સાથે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ લીધો હતો. IQAC અને સ્ટાફના સુચારૂ સંકલનથી આ સમગ્ર પ્રવૃત્તિ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.





