હિમતનગર

રાયગઢના મુસાફરો માટે ઓવરબ્રિજ બન્યો અગવડતાનો પુલ બસ સ્ટેન્ડ સુધી બસ ન આવતા વૃદ્ધો-મહિલાઓને ગરમીમાં ચાલવાનો વારો

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે વિકાસના નામે ઉભી થયેલી સુવિધા હવે સ્થાનિક લોકો માટે અસુવિધા બની રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર રાયગઢ ગામ નજીક હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જ્યારે ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર પણ રેલ્વે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામગીરી વચ્ચે એસટી બસોની અવરજવરથી ગ્રામજનો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ હિંમતનગરથી શામળાજી અને મોડાસા તરફ જતી તેમજ આવતી એસટી બસોના ડ્રાઈવરો બસને ગામના સત્તાવાર બસ સ્ટેન્ડ સુધી લાવવાને બદલે પુલના છેડે ઉભી રાખીને મુસાફરોને ઉતારી દે છે. જેના કારણે ખાસ કરીને સિનિયર સિટીજનો, મહિલાઓ, બાળકો અને સામાન સાથે મુસાફરી કરતા લોકોને કડક ઉનાળામાં લગભગ ૭૦ મીટરથી વધુ અંતર ચાલીને ગામ સુધી પહોંચવું પડે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે રેલ્વે ઓવરબ્રિજનું કામ હજુ લાંબા સમય સુધી ચાલવાની શક્યતા છે. હાલ ઉનાળામાં જ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે ત્યારે ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે લોકોને વધુ હાલાકી ભોગવવી પડશે. બસ સ્ટેન્ડ હોવા છતાં મુસાફરોને રસ્તા વચ્ચે ઉતારવાની સ્થિતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગામના સરપંચ તેમજ જાગૃત નાગરિકોએ એસટી નિગમના અધિકારીઓ સમક્ષ માંગણી કરી છે કે રાયગઢ ગામને સત્તાવાર બસ સ્ટેન્ડ ફાળવાયેલું હોવાથી તમામ બસોના ડ્રાઈવર અને કંડકટરને લેખિત સૂચના આપી બસોને ગામના સ્ટેન્ડ સુધી લાવવામાં આવે. હાલમાં જ્યાં બસો ઉભી રહે છે ત્યાં ખાનગી વાહનોનો જમાવડો રહેતા મુસાફરોને રસ્તો પાર કરવામાં પણ જોખમ ઉભું થઈ રહ્યું છે.

ગ્રામજનોએ મુસાફરોના હિતમાં એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માંગ ઉઠાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!