ઇડર

ગામની વચ્ચેના સરકારી ક્વાર્ટર્સ ગાયબ ! જાદરમાં વિસ્તરણ અધિકારી-ગ્રામ સેવકના આવાસ તોડાયા, પ્રાંત અધિકારીએ મંગાવ્યો તપાસ અહેવાલ

સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર ગામમાં આવેલ બે સરકારી આવાસો અચાનક ગાયબ થઈ જવાના મામલે હવે તંત્ર સક્રિય બન્યું છે. વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક માટે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવતા ઈડરના પ્રાંત અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે.

સામાન્ય રીતે કોઈપણ સરકારી આવાસને તેની આયુષ્ય મર્યાદા પૂર્ણ થવા કે સમારકામ અશક્ય બન્યા બાદ જ સક્ષમ અધિકારીની મંજૂરીથી જમીનદોસ્ત કરી શકાય છે. પરંતુ જાદર ગામમાં આવેલા આ બંને સરકારી આવાસો કોણે અને કોની મંજૂરીથી તોડી પાડ્યા તે હવે મોટો સવાલ બન્યો છે.

મળતી માહિતી મુજબ ગામની મધ્યમાં આવેલા આ બંને ક્વાર્ટર્સ હાલ સ્થળ ઉપર અસ્તિત્વમાં જ નથી. આ મામલે રફીકભાઈ અલીભાઈ શેખે તા. ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ તાલુકા વિકાસ અધિકારીને અને ત્યારબાદ ૯ એપ્રિલે ઈડર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઈપણ સત્તાવાર મંજૂરી વિના ગ્રામ પંચાયત દ્વારા ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા છે.

રજુઆત બાદ પ્રાંત અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો. તેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી જશવંતગઢ વિભાગને સમગ્ર મામલે તપાસ કરી સાત દિવસમાં અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે. હવે તપાસ દરમિયાન આ ક્વાર્ટર્સ ક્યારે, કોણે અને કઈ મંજૂરીના આધારે તોડી પાડ્યા તેની હકીકતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ એક જાગૃત નાગરિક દ્વારા જાહેર માહિતી અધિકાર હેઠળ જાદર ગ્રામ પંચાયત પાસેથી માહિતી માંગવામાં આવી હતી. જેના જવાબમાં પંચાયતે લેખિતમાં જણાવ્યું હતું કે આ ક્વાર્ટર્સ પંચાયત હસ્તક આવતા નથી અને પંચાયત દ્વારા તે તોડવામાં આવ્યા નથી. છતાં વાસ્તવિક સ્થિતિ એવી છે કે સ્થળ ઉપર બંને ક્વાર્ટર્સ અસ્તિત્વમાં નથી અને જમીન સંપૂર્ણ ખુલ્લી કરી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!