પીપલોદી સ્ટેન્ડ પાસે વૃદ્ધાના મોત બાદ હાઈવે પર જનઆક્રોશ, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ


હિંમતનગરના પીપલોદી સ્ટેન્ડ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને ઓવરસ્પીડ દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો.
સ્થાનિકોએ હાઈવે પર પથ્થરો ખડકી દેતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો. વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોવા છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, સ્પીડ કંટ્રોલ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને બેફામ દોડતા ભારે વાહનો અને ઓવરસ્પીડ ચાલકો સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન હાથ ધરાયા હતા. સ્થાનિકોએ અકસ્માતપ્રવણ વિસ્તાર ખાતે સ્પીડ બ્રેકર, સર્વિસ રોડ, ટ્રાફિક નિયંત્રણ અને કડક ચેકિંગની માંગ ઉઠાવી હતી.






