કરોડોના કેનાલ ફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય ગટરનું પાણી ઠલવાતાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ કેનાલ ફ્રન્ટ આજે ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. મહાવીરનગર હાર્દસમા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગટરનું પાણી છોડાતું હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માટે ફરવા અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે વિકસાવવામાં આવેલ આ કેનાલ ફ્રન્ટ હવે ગંદકીના કારણે લોકો ટાળી રહ્યા છે.

હિંમતનગરના મહાવીરનગર હાર્દસમા વિસ્તારમાં આવેલ કેનાલ ફ્રન્ટનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કેનાલમાં કચરો, પ્લાસ્ટિક, ઝાડઝાંખરા અને ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. છાપરિયા ચાર રસ્તા પાસે આવેલા હનુમાન મંદિર અને પંખીઘર નજીકથી પસાર થતી કેનાલમાં વિસ્તારનું ગટરનું પાણી સીધું ઠલવાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગંદકીના કારણે હવે સાંજના સમયે લોકો કેનાલ ફ્રન્ટ પર ફરવા જવાનું ટાળી રહ્યા છે.

બીજી તરફ વિપક્ષે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાહેર સુવિધાની યોગ્ય રીતે જાળવણી કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. અગાઉ એક વર્ષ પહેલાં પાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કેનાલમાંથી ગંદકી દૂર કરવામાં આવી હતી, પરંતુ નિયમિત દેખરેખના અભાવે ફરીથી કેનાલની હાલત બગડી ગઈ છે.જોકે પાલિકા ચીફ ઓફિસરે આગામી ચોમાસા પહેલાં કેનાલની સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવાની ખાતરી આપી છે. સાથે જ મહાવીરનગર વિસ્તારનું ગટરનું પાણી સીધું કેનાલમાં જતું અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી સ્થળોએ ગટર લાઈન સુધારવાની કામગીરી હાથ ધરાશે તેવી માહિતી આપવામાં આવી છે.હાલ શહેરવાસીઓની નજર હવે પાલિકાની કામગીરી પર ટકેલી છે કે આગામી દિવસોમાં કેનાલ ફ્રન્ટને ફરી સ્વચ્છ અને આકર્ષક બનાવવા માટે કેટલા અસરકારક પગલાં લેવામાં આવે છે.





