હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં LCBનો દરોડો: સ્વિફ્ટ કારમાંથી ₹5.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં કાર્યવાહી કરીને સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસને ખાનગી બાતમી મળી હતી કે GJ-27-AP-3883 નંબરની સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હિંમતનગર તરફથી વિજાપુર તરફ લઈ જવાઈ રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે વિજાપુર હાઇવે પર ગોગા મહારાજ મંદિર નજીક વોચ ગોઠવી હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલક થોડે દૂર કાર મૂકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તપાસ કરતાં અંદરથી 960 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર, જેની કિંમત રૂ. 2,65,560, તેમજ રૂ. 3 લાખની સ્વિફ્ટ કાર મળી આવી હતી. આમ કુલ રૂ. 5,65,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર કારચાલકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા, પીએસઆઈ આર.જે. જાડેજા સહિતની ટીમે સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.




